ડીસામાં દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓ અને અરજદારોને ભારે હાલાકી
![](/wp-content/uploads/2024/05/IMG-20240510-WA0033-673x470.jpg)
ડીસામાં દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓ અને અરજદારોને ભારે હાલાકી
વધારાના ટેબલ અને હેલ્પ ડેસ્ક શરૂ કરવાની માંગ: શાળાઓ તેમજ બોર્ડના પરિણામ જાહેર થતાં જ વિવિધ દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની ડીસા મામલતદાર કચેરી ખાતે ભારે ભીડ જામી રહી છે પણ કચેરીમાં ખાસ કોઈ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.
ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આવકના દાખલા,આધાર કાર્ડ, રેશનકાર્ડ, ડોમીશિયલ તેમજ ઇ ધરા, જન સેવા કેન્દ્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. ત્યારે મહત્વના દસ્તાવેજો કઢાવવા આવતા અરજદારોને પણ ઘણાં સમય સુધી લાઈનમાં ઊભા રહેવા તેમજ ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે.હાલ બોર્ડની પરીક્ષાના પરીણામો જાહેર થઇ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ જરૂરી દાખલા કઢાવવા માટે કચેરીએ આવી રહ્યા છે. ડીસાના જન સુવિધા કેન્દ્ર ખાતે છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી રહી છે.હજુ પણ આગામી દિવસોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાખલા લેવા આવનાર હોઇ મામલતદાર કચેરી દ્વારા વધારાના ટેબલોની વ્યવસ્થા કરાય તે જરૂરી છે. વિવિધ દાખલા મેળવવાની પ્રક્રિયા પણ અટપટી હોવાથી વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે.જેના કારણે અહીં હેલ્પ ડેસ્ક પણ ઊભું કરવું જોઈએ તેવો વિદ્યાર્થીઓનો મત છે.