क्राइमगुजरातपाटन जिला

પાટણનાં દરજી યુવાનને સુદામા ચોકડીથી ઉઠાવી અપહરણ કરી માર માર્યો, ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

 

પાટણ,29 મે (હિ.સ.) ચાણસ્મા- પાટણ-હારીજ ત્રણ રસ્તા (સુદામા ચોકડી) જોગણી માતાનાં મંદિર પાસેથી બે દિવસ પૂર્વે તા. 27મી મેની રાત્રે સાડા દશ વાગ્યાનાં સુમારે પાટણનાં 25 વર્ષના એક દરજી યુવાનનું તેમનાં જ સગાવહાલાં અને સમાજનાં ત્રણ શખ્સો અને બે અજાણ્યા શખ્સોએ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ડીસા બાજુ સરસ્વતિનાં ભાટસણ ગામનાં અંદર જવાનાં રસ્તે વોળાવાપુરા ગામની કેનાલ નજીકનાં એક બોર પર લઈ જઈને ગોંધી રાખ્યો હતો.

પ્લાસ્ટિકની પાઈપથી વારાફરતી તેને હાથે પગે અને બરડામાં મારી તથા ગડદાપાટુનો માર મારીને તેને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. આ યુવાનની વિરોધમાં જ અહીં કોઈ ફરીયાદ નોંધાવતાં તેને ત્યાં જ રાખીને બીજા દિવસે મામલતદાર કચેરીમાં રજુ કરીને તેનાં જામીન લેવડાવ્યા બાદ તે તેમનાં સંકંજામાંથી છૂટ્યા પછી તે પાટણની ધારપુર સિવીલમાં સારવાર માટે દાખલ થઈ ગયો હતો. આ બનાવ અંગે તેણે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતિ તાલુકાનાં કાતરા ગામનાં વતની અને હાલમાં પાટણમાં પદમનાથ ચોકડી પાસેની રૂદ્રમ સોસાયટીમાં રહેતા અને પાટણની ગાયત્રી મંદિર પાસે ત્રિશુલ ટેલર્સમાં દરજી કામ કરતા 25 વર્ષિય મૈનેષભાઈ જયંતિભાઈ દરજીની ફરીયાદ પ્રમાણે મૈનેષ દરજી પોતાની સ્વિફટ કાર લઈને તા. 24 મી મેનાં રોજ સવારે સાડા છ વાગે પાટણ ઉઝા હાઈવે પર બાલીસણાના નાયરા પેટ્રોપંપ પાસેથી પસાર થતાં તેમને ઝોકું આવી જતાં તેમની કાર પલટી ખાઈ ગઈ હતી. તે જ દિવસે મૈનેષ દરજીનાં પિતા જયંતિભાઈ ડીસાનાં ખરડોસણ ગામે રમેલમાં ગયા હતા જયાં તેમનાં દરજી સમાજનાં પ્રમુખ સોમાભાઈ દરજી રે.

આસેડા, તા. ડીસાવાળા તેમને મળ્યા હતા તેમણે મૈનેષની ગાડી પલટી ખાઈ તે અંગેની જાણ તેમનાં પિતાને થઈ હતી.આ વખતે સોમાભાઈએ મૈનેષ દરજીનાં પિતાને કહેલ કે, તમને અમારી માતા પહોંચી છે. આ વાતે જયંતીભાઈએ ઘેર આવીને દિકરા મૈનેષને કરી હતી.

ત્યારબાદ મૈલેષે 26 ની રાત્રે તેમનાં સમાજનાં પ્રમુખ સોમાભાઈને ફોન કરીને કહેલ કે, તમે શા માટે મારા પિતાને કહેલ છે કે, તમને અમારી માતા પહોંચી છે.? તેમ કહેતાં ફોન ઉપર જ ઉશ્કેરાયેલા સોમાભાઈએ તેને જેમ તેમ બોલીને કહેલ કે, અમે તને ગોતીએ છીએ તેમ કહીને સોમાભાઈએ મૈનેષનું લોકેશન માંગતાં તેણે પોતાનું લોકેશન આપીને તેણે કહેલ કે, હું અત્યારે પાટણનાં સુદામા ચોકડી છું. અને મૈનેષ જોગણીમાતાના મંદિર પાસે બેઠો હતો.

રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે આવેલી એક કાળી સ્કોર્પીઓ ગાડીમાંથી ઉતરેલા એક વ્યક્તિએ તેને સાઈડમાં આવવાનું કહેતાં બીજો શખ્સ ગાડીમાંથી ઉતરેલા વ્યક્તિ સોમાભાઈ દરજીનાં દિકરા રાજેશ ઉર્ફે લાલાએ અને એક અજાણ્યા શખ્સે મૈનેષ દરજીને માર મારવા લાગ્યા હતા. થોડીવારમાં બીજી એક ઈકો ગાડીમાં આવેલા ચારેક શખ્સોએ મૈનેષને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ધમકીઓ આપીને અપરહરણ કરીને ડીસા બાજુનાં રોડે ભાટસણ ગામનાં અંદર જવાનાં રસ્તે વોળાવીપુરા ગામની કેનાલ નજીકનાં એક બોર પર લઈ જઈને બંને ગાડીઓમાંથી ઉતરેલા શખ્સોએ મૈનેષને બોરમાં ગોંધી રાખ્યો હતો. અને રાજેશ ઉર્ફે લાલા દરજીએ તેને કહેલ કે, સમાજનાં ગ્રુપમાં મારી પોસ્ટ કેમ મુકી હતી અને તુ મારા પિતાને ફોન કરીને કેમ ધમકાવતો હતો. અને તુ અમારા કુટુંબના વિરોધમાં સમાજનાં ગ્રુપોમાં કેમ લખે છે?

તેવું રાજેશ ઉર્ફે લાલો અને તેનાં ભાઈએ કહીને બંને ભાઈ અને તેમનાં પિતા સોમાભાઈએ પ્લાસ્ટિક ની પાઈપથી વારાફરતી મૈનેશ દરજીને માર માર્યો હતો અને ગાળો બોલી હતી. તથા સાથેનાં ચાર અજાણ્યા શખ્સોએ માર મારીને તેને બોર પરથી ગાડીમાં બેસાડીને તેને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લાવ્યા હતા તે મૈનેષની વિરોધમાં ફરીયાદ લખાવી તેને રાત્રે પોલીસ સ્ટેશનમાં રાખીને તા. 27 મીનાં રોજ મૈનેષ દરજી અને તેનાં ભાઈ જયેશનાં ડીસા મામલતદાર કચેરી ખાતે રૂ.10,000નાં જામીન લેવડાવ્યાં હતા. તે પછી તે છુટીને પાટણની ધારપુર સિવીલમાં દાખલ થઈ ગયો હતો. આ અંગે તેણે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે મધરાત્રે ફરીયાદ નોંધાવતાં પોલીસે સોમાભાઈ ધુળાભાઈ દરજી, રાજેશ ઉર્ફે લાલો, – શૈલેષભાઈ અને રાજેશનો ભાઈ અને ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી 365, 342,323,143 147,149, 34 મુજબ ગુનો નોંધી પી.એસ.આઈ. આર.બી.ચાવલાએ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×