गुजरातगुड मॉर्निंग न्यूज़धर्म

અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ… અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠી…

પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે...

 

યાત્રાધામ અંબાજી ખાતે ૧૨ મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માઇભક્તો માટે સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

જય અંબે …બોલ માડી અંબે…અંબાજી દૂર હૈ… જાના જરૂર હૈ ના જયઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. મેળાના બીજા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબા ના દર્શન માટે ઉમટયો છે. દાંતા- હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈભક્તોનો ઘસારો જોઈ શકાય છે. અબાલવૃદ્ધ સૌ કોઈ મા ના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

શકિત , ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઇભકતોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. જય અંબેના જયનાદ થી અરવલ્લી ની ગિરિમાળા ઓ ગુંજી રહી છે. પ્રકૃતિના રમણીય સાંનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઇભકતો અંબાજી માર્ગોપર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે. નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે ૧,૯૩,૦૦૦ જેટલા માઇભકતો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે, .

ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સૂદુર થી માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મૌજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે.

પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓ માં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×